Thursday, 23 February 2012

પૃથ્વી દડા જેવી ગોળ નથી અને ધરી પર કે સૂર્ય આસપાસ ફરતી નથી!


જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન’ પુસ્તકમાં કરાયેલા દાવા મુજબ પૃથ્વી ગોળ છે, ફરે છે એવું સાબિત કરનારને એક કરોડનું ઇનામ ! પાલીતાણાની સંસ્થા જંબુદ્વીપ વિજ્ઞાન રિસર્ચ સેન્ટરે કરેલી જાહેરાત

પૃથ્વી ગોળ છે અને પોતાની ધરી પર કે સૂર્યની આજુબાજુ ફરે છે એવું સાબિત કરનારને એક કરોડ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત શ્રી જંબુદ્વીપ વિજ્ઞાન રિસર્ચ કેન્દ્ર, પાલીતાણા દ્વારા કરાઈ છે.

આ સંસ્થા દ્વારા ‘‘જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન’ પુસ્તક પ્રગટ કરાયું છે અને તેમાં દાવો કરાયો છે કે પૃથ્વી ગોળ નથી કે સૂર્યની આસપાસ તથા પોતાની ધરી પર ફરતી નથી. સંસ્થાની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ પૃથ્વી ગોળ હોવાની અને ફરતી હોવાનું સાબિત કરતા પુરાવા ૩૧ માર્ચ ૨૦૧૨ ની આખરી તારીખ નક્કી કરવામાં આવી છે અને એ માટેની પાંચ શરતો પણ રખાઇ છે. જે આ મુજબ છે ઃ
૧. સાબિતી તરીકે એવી કોઈ થિયરી સ્વીકારવામાં નહીં આવે કે જેમાં એવું માની લેવામાં આવ્યું હોય કે પૃથ્વી ગોળ છે અને ફરે છે.
૨. સાબિતી તરીકે ગેલિલિયો, કોપરનિકસ કે ન્યૂટન જેવા વિજ્ઞાનીઓની થિયરી માન્ય કરવામાં નહીં આવે કે જેમાં પૃથ્વી ગોળ છે અને ફરે છે તેની કોઇ સ્વતંત્ર સાબિતી આપવામાં આવી નથી.
૩. પૃથ્વી ગોળ છે અને ફરે છે એ સાબિત કરવા માટે એવા પ્રયોગો, ઘટનાઓ અથવા યંત્રો રજુ કરવાનાં રહેશે કે જેના દ્વારા સ્વતંત્ર રીતે આ વાતની સાબિતી મળે અને જે હકીકત કોઇ અન્ય વિરોધાભાસી થિયરી દ્વારા સમજાવી શકાય નહીં.
૪. દિવસ-રાત, ૠતુઓ, સૂર્ય-ચન્દ્રગ્રહણ કૃત્રિમ ઉપગ્રહોનું પરિભ્રમણ, પૃથ્વીની પ્રદક્ષિણા વગેરે પ્રક્રિયાઓ પૃથ્વી ગોળ છે અને ફરે છે તેવું માન્ય વિના પણ સમજાવી શકાય તેવી છે. માટે આ પ્રક્રિયાઓ સાબિતી તરીકે સ્વાકારી શકાશે નહી.
૫. તર્ક, ગણિત, અને વિજ્ઞાનના સાચા નિયમોના આધારે કોઇ પુરાવા રજૂ કરવામાં આવશે તો તે સ્વતંત્ર અને મૌલિક સંશોધનના આધારે હોવા જોઈએ. કોઇ અન્ય વિજ્ઞાનીના સંશોધનના આધારે નકલ કરીને રજૂ કરવામાં આવેલા પુરાવા માન્ય ગણાશે નહીં.
‘જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન’ પુસ્તક બહાર પડાયું છે. જેમાં દાવો કરાયો છે કે પૃથ્વી દડા જેવી ગોળ નથી અને ફરતી નથી. આ પુસ્તકમાં પૃથ્વી સપાટ છે એવું પુરવાર કરતા કેટલાક પ્રયોગો પણ દર્શાવાયા છે. એપોલો યાન ચંદ્ર પર ગયું જ નહોતું. તેમજ ભારતની ચંદ્રયાત્રા પણ ભ્રામક હોવાનું જણાવાયું છે. એટલું જ નહીં એપોલોની બનાવટી ચંદ્રયાત્રાના પુરાવાઓ પણ અપાયા છે.

પૂજય મુનિશ્રી અભયસાગરજી મ.સા.
સાડા છ વર્ષની ઉંમરે દીક્ષાનો સ્વીકાર કરનારા પૂજય મુનિશ્રી અભયસાગરજી મ.સા. બાળપણથી જ સંશોધનની કેડીએ ચાલતા હતા. તેઓએ વિશ્વભરની ભૂગોળ, ખગોળના સાહિત્ય સાથે તમામ એન્સાઇકલોપીડિયાનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેઓએ પર્વતો ઉપર, સમુદ્ર અને જળાશયો તથા ખુલ્લા વિરાટ સપાટ મેદાનોમાં અનેક પ્રયોગો દ્વારા સિદ્ધ કર્યું કે પૃથ્વી ગોળ નથી, પૃથ્વી ફરતી પણ નથી અને એપોલો યાન ચંદ્ર ઉપર પહોંચ્યું જ નથી. તેમણે ૩૦ થી વઘુ પુસ્તકો લખ્યા છે. એ બધાનો સમન્વય કરીને ‘જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન’ પુસ્તક પ્રગટ કરાયું છે.

૨૪૩ પાનાના આ પુસ્તકને કુલ ચાર વિભાગમાં વહેંચાયું છે અને કુલ ૩૭ પ્રકરણ છે. પૃથ્વી દડા જેવી ગોળ નથી અને ફરતી નથી એ અંગે ૧૧ પ્રકરણ અપાયા છે. જેમાં સ્પષ્ટતાથી અને દ્રઢતાથી કહેવાયું છે કે, ૧૫મી સદીના યુરોપમાં પણ પૃથ્વી સ્થિર સપાટ હોવાનું તેમજ સૂર્ય, ચંદ્ર, ગ્રહો, નક્ષત્રો અને તારાઓ વગેરે પૃથ્વીની આજુબાજુ ફરતા હોવાની જ માન્યતા પ્રચલિત હતી. તેનો સાર્વત્રિક સ્વીકાર પણ કરાયો હતો. કોઇપણ જાતના વૈજ્ઞાનિક આધાર કે પુરાવા વિના નિકોલસ કોપરનિકસ, જોહાનિસ કેપલર અને ગેલિલિપો એ જયારે પૃથ્વી દડા જેવી ગોળ છે અને તે સૂર્યની આજુબાજુ ફરે છે તેવી કપોળકલ્પિત માન્યતાનો પ્રચાર કર્યો ત્યારે પણ ધર્મગુરૂઓ અને પ્રજાએ તેનો વિરોધ કરી તે માન્યતાને સ્વીકારી નહોતી.

પુસ્તક કહે છે કે આજના વિદ્યાર્થીઓ જો સાદી સમજણનો ઉપયોગ કરે તો પણ ખ્યાલ આવશે કે પૃથ્વી જો પોતાની ધરી ઉપર એક કલાકના ૧૦૦૦ માઈલની ગતિથી ફરી રહી હોય તો પૃથ્વી ઉપરનો મનુષ્યો, પ્રાણીઓ, વાહનો, વૃક્ષો, નદીઓ અને સમુદ્રો વગેરે સ્થિર રહી શકે નહીં. આઈનસ્ટાઇને ન્યુટનની ગુરૂત્વાકર્ષણની થિયરીને જ ખોટી સાબિત કરી છે ત્યારે પૃથ્વી ગોળ હોવાની બધી જ સમજૂતિઓ છેતરામણી લાગે છે.

આઇનસ્ટાઇને ન્યુટનની ગુરૂત્વાકર્ષણની થિયરીને ખોટી સાબિત કરી તે પછી અવકાશી પદાર્થોની ગતિ અને પરિભ્રમણ સમજાવવા માટે ન્યુટનની થિયરીનો જ આધાર લીધા કરવામાં આજના વિજ્ઞાનીઓની બેઇમાની છે, તેઓ જો ન્યુટનની થિયરીનો ત્યાગ કરી દે તો પૃથ્વી દડા જેવી ગોળ છે અને તે સૂર્યની આજુબાજુ પરિભ્રમણ કરે છે તે થિયરીનો કોઇ વૈજ્ઞાનિક આધાર જ રહેતો નથી અને તે ખોટી પૂરવાર થાય છે. વળી, આઇનસ્ટાઇનની થિયરીને સાચી માની લેવાને કારણે બ્લેક હોલ, ન્યુટ્રોન સ્ટાર, બિગ બેન્ગ વગેરે વિચિત્ર થિયરીઓ પેદા થઇ છે.

પુસ્તકમાં જણાવ્યા મુજબ પૃથ્વી ગોળ અને ફરતી માનવાનો એક પણ પ્રત્યક્ષ પુરાવો વિજ્ઞાનીઓ આજ સુધી આપી શક્યા નથી. ઇતિહાસમાં વિજ્ઞાનીઓ એવું સાબિત નથી કરી શક્યા કે પૃથ્વી ગોળ અને ફરે છે પરંતુ આપણા સ્વાનુભવની, નિરીક્ષણની, સદીઓના પારંપરિક જ્ઞાનથી અને પ્રયોગથી પણ પૃથ્વી સ્થિર અને સપાટ હોવાનું સાબિત કરી શકાય છે. પૃથ્વી ગોળ નથી પણ સપાટ છે એવું પુરવાર કરતાં અનેક પ્રયોગો પણ પુસ્તકમાં રેખાચિત્ર સાથે અપાયા છે. જુદા જુદા પ્રયોગોમાં માઇલ, ઉંડાઈ, પૃથ્વી પરની પાણીની સપાટીની ગણતરી કરાઈ છે.

પુસ્તકનાં બીજા વિભાગમાં અમેરિકામાં અવકાશી કાર્યક્રમનો ઇતિહાસ, એપોલો યાનની અપરંપાર સમસ્યાઓ અપાઇ છે. ૪૦ વર્ષ પહેલા બે વ્યકિત ચંદ્ર પર ઉતરી હોવાનું કહેવાય છે. એપોલો યાનના મુખ્ય યુનિટો બનાવતી કંપની રોકેટ ડાઇનના વિજ્ઞાની બિલ કેસંિગે ‘વી નેવર વેન્ટ ટુ ધ મૂન’ નામનું પુસ્તક લખીને અમેરિકાની નાસા સંસ્થાનાં દાવાનું ખંડન કર્યું છે. આ પુસ્તકે અમેરિકામાં પણ ભારે ખળભળાટ મચાવ્યો હતો. બિલ કેસંિગ પછી રાલ્ફ રેનેએ ‘નાસા મૂન્ડ અમેરિકા’ નામનું પુસ્તક લખીને ચંદ્રયાત્રા બનાવટી હતી તે પુરવાર કરી આપ્યું છે. ફોકસ ટીવીએ એક બાવન મિનિટની દસ્તાવેજી ફિલ્મ પ્રદર્શિત કરી, જેને કારણે ૩૦ ટકા અમેરિકન માને છે કે ચંદ્રયાત્રા બનાવટી હતી. એપોલોની ચંદ્રયાત્રાના નાટકને એપોલો સિમ્યુલેશન પ્રોજેકટ એવું સાંકેતિક નામ અપાયું હતું.

આ નાટકમાં સહભાગી થવા માટે અવકાશયાત્રીઓને ખૂબ સમજાવવા પડયા હતા. જેની પાછળ અનેક પ્રકારની દલીલો કરી તેઓને મનાવાયા હતા. પુસ્તકમાં એપોલોની બનાવટી ચંદ્રયાત્રાનાં પુરાવાઓ પણ અપાયા છે. ઉપરાંત એપોલોની સાથોસાથ ભારતની ચંદ્રયાત્રા પણ ભ્રામક ગણાવાઈ છે. આ અંગે પણ પુરાવાઓ અપાયા છે. તેમજ ચંદ્રયાનને ૧૮ દિવસ કેમ લાગ્યા સહિતના વેધક પ્રશ્નો પૂછાયા છે. ચંદ્રયાન ચંદ્ર ઉપર પહોંચ્યું હોવાનો કોઇ પુરાવા પણ નથી. ચંદ્રયાનની સફળતાના ઇસરોનાં દાવાઓ સત્યથી વેગળા છે. પુસ્તકમાં દુનિયાના દેશોની ભ્રામક ચંદ્રયાત્રાઓને ખુલ્લી કરાઈ છે.

પુસ્તકના અંતે પૃથ્વી દડા જેવી ગોળ નથી અને ફરતી નથી એ પુરવાર કરતી ૧૦૧ ઘટના અપાઇ છે. તેમજ વર્તમાન દુનિયાનું સ્વરૂપ કેવું છે તેની વિગતો અપાઇ છે.


Article Taken From: Gujarat Samachar Dharmlok Purti Date: 23/02/2012

No comments:

Post a Comment