Thursday, 23 February 2012

જૈન ખગોળવિજ્ઞાની પૂજ્ય અભયસાગરજી.

જૈન ધર્મના વર્તમાન સાધુ ભગવંતોમાં આગમોના પ્રખર જ્ઞાાતા અને નવકાર મંત્રના અનન્ય આરાધક તરીકે પંકાયેલા પૂજ્ય પંન્યાસશ્રી અભયસાગરજી મહારાજની ૨૫મી પુણ્યતિથિની ઉજવણી નિમિત્તે ઊંઝામાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન તેમના શિષ્યરત્નો આચાર્યશ્રી જીનમંત્ર સાગરસૂરી અને હેમચંન્દ્ર સાગરસૂરી બઘુબેલડી મહારાજ સાહેબની નિશ્રામાં કરવામાં આવ્યું છે. જ્યાં તેમને અગ્નિદાહ દેવાયો હતો તે સ્તુતિ દેવડીની આગળ રજત મહોત્સવ ઉજવાશે. પંન્યાસશ્રી અભયસાગરજી મહારાજે માત્ર સાડા છ વર્ષની કુમળી વયે આગમોદ્વારક આચાર્યશ્રી સાગરાનંદસૂરિજી મહારાજ પાસે દીક્ષા ગ્રહણ કરી હતી અને તેઓ પોતાના પિતા ઉપાધ્યાયશ્રી ધર્મસાગરજી મહારાજના શિષ્ય બન્યા હતા. પોતાની તીવ્ર પ્રજ્ઞાા અને મેઘાના બળે તેઓ જૈન ધર્મના ૪૫ આગમોના જાણકાર બન્યા હતા. પાલીતાણામાં જૈન ભૂગોળની જાણકારી આપવા માટે જે જંબૂદ્વીપ નામની સંસ્થા કાર્યરત છે તેની સ્થાપના પંન્યાસશ્રી અભયસાગરજી મહારાજની પ્રેરણાથી થઈ હતી. તેઓ મહાચમત્કારિક શ્રી નવકાર મંત્રમાં જબરદસ્ત શ્રદ્ધા ધરાવતા હતા. હાર્ટ એટેક જેવી આપત્તિમાં ડૉક્ટરની કોઈ પણ જાતની દવા લીધા વિના માત્ર શ્રી નવકાર મંત્રના સ્વાધ્યાય દ્વારા સાજા થવાની વિરલ સિદ્ધિ તેમણે પ્રાપ્ત કરી હતી. પંન્યાસશ્રી અભયસાગરજી મહારાજનો સ્વર્ગવાસ વિક્રમ સંવત ૨૦૪૩ના કારતક વદ નોમે ઊંઝામાં થયો ત્યારે સમગ્ર શહેરમાં જડબેસલાક સ્વયંભૂ બંધ પાળવામાં આવ્યો હતો. આગમવિશારદ પંન્યાસશ્રી અભયસાગરજી મહારાજના પિતા ઉપાધ્યાયશ્રી ધર્મસાગરજી મહારાજે વિક્રમ સંવત ૧૯૮૬માં જામનગર ખાતે આચાર્યશ્રી સાગરાનંદસૂરિજીના શિષ્ય તરીકે દીક્ષા ગ્રહણ કરી હતી. પિતાને સાધુવેષમાં જોઈને છ વર્ષના પુત્ર અમૃતને પણ દીક્ષા લેવાની ઇચ્છા થઇ ગઈ હતી. તેણે આચાર્ય ભગવંતને દીક્ષા આપવાની વિનંતી કરી ત્યારે આચાર્ય ભગવંત સ્તબ્ધ બની ગયા હતા. તેમણે અમૃતને સાધુજીવન કોને કહેવાય અને તે કેટલું કઠિન છે તેનો ખ્યાલ આપ્યો હતો, પણ પૂર્વ ભવથી દીક્ષાના સંસ્કાર લઈને આવેલો અમૃત દીક્ષા લેવાની બાબતમાં મક્કમ હતો. એ સમયે ગુજરાતમાં બાળદીક્ષા વિરોધી માહોલ હતો. આ કારણે સાડા છ વર્ષના અમૃતને દીક્ષા આપવામાં ભારોભાર જોખમ હતું. તો પણ આચાર્યશ્રીના સાગરાનંદસૂરિજી મહારાજે હિંમત કરીને અમૃતને વિ.સં. ૧૯૮૮ના પોષ દસમીના શુભ દિને શ્રી શંખેશ્વર તીર્થમાં દીક્ષા આપી. બાળદીક્ષાના વિરોધીઓએ બાળમુનિનું અપહરણ કરીને તેમને સંસારી વેષ પહેરાવી દેવાની ધમકી આપી હતી. આ વિરોધીઓથી બચવા કેટલાક બહાદુર શ્રાવકો બાળમુનિને લઈને ઝડપી વિહાર કરીને અમદાવાદ પહોંચી ગયા હતા. અહીં આચાર્યશ્રી વિજયમેઘસૂરિજી મહારાજે વિક્રમ સંવત ૧૯૮૯ના ફાગણ વદ પાંચમે બાળમુનિને વડી દીક્ષા આપી અને તેઓ મુનિશ્રી અભયસાગરજી તરીકે જાણીતા થયા.

મુનિશ્રી અભયસાગરજીએ દીક્ષા લીધી ત્યારે તેમને લખતા-વાંચતા પણ આવડતું નહોતું. તેમ છતાં તેમની યાદશક્તિ એટલી તીવ્ર હતી કે અનેક જૈન શાસ્ત્રો તેઓ માત્ર શ્રવણ કરીને જ કંઠસ્થ કરવા લાગ્યા. જૈન સાધુઓ માટેનું સાડા ત્રણસો ગાથાનું પકખી સૂત્ર તેમણે એક મુનિશ્રી પાસેથી સાંભળીને માત્ર એક જ દિવસમાં કંઠસ્થ કરી લીધું હતું. અત્યંત કુમળી વયે તેમણે ગુજરાતી ઉપરાંત સંસ્કૃત તેમજ પ્રાકૃત ભાષાઓનું જ્ઞાાન પણ હાંસલ કરી લીધું હતું. ન્યાય અને વ્યાકરણ જેવા અઘરા વિષયો પણ તેઓ સહેલાઈથી ભણવા લાગ્યા હતા. મુનિશ્રી અભયસાગરજીએ માત્ર ૧૩ વર્ષની વયે વ્યાકરણતીર્થની ઉપાધિ મેળવી લીધી હતી. આ પરીક્ષા પસાર કરતાં સામાન્ય વિદ્વાનોને વર્ષો લાગતાં હોય છે. ન્યાય અને વ્યાકરણ જેવા વિષયો ઉપર પ્રભુત્વ મેળવી લીધા પછી તેમણે અભયકાંત ઠાકુર નામના મૈથિલી પંડિત પાસે વેદાંતનો પણ અભ્યાસ કર્યો હતો.
ઉપાધ્યાયશ્રી ધર્મસાગરજી મહારાજ અને મુનિશ્રી અભયસાગરજી મહારાજ આ પિતા-પુત્રની જેમ જ ગુરૃ-શિષ્યની જોડીએ મધ્ય પ્રદેશના માળવા પ્રદેશમાં આશરે ૧૮ વર્ષ વિચરણ કરીને ત્યાંના જૈનોનું અજ્ઞાાન દૂર કર્યું હતું અને તેમનામાં અપૂર્વ ધર્મચેતના પ્રગટાવી હતી. માળવા પ્રદેશમાં તેમણે શ્રી અમીઝરા પાર્શ્વનાથ, શ્રી ભોપાવર, શ્રી માંડવગઢ, શ્રી મક્ષીજી અને શ્રી નાગેશ્વરજી જેવાં અનેક પ્રાચીન અને ચમત્કારિક તીર્થોનો જીર્ણોદ્વાર કરાવ્યો હતો. તેમાં પણ શ્રી નાગેશ્વર તીર્થના જીર્ણોદ્ધાર માટે તેમણે ભારે સંઘર્ષ કરવો પડયો હતો. પ્રાચીન અને ચમત્કારિક શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ જંગલમાં એક બાવાના કબજામાં હતી અને વનવાસીઓ 'નાગા બાવા' તરીકે પૂજતા હતા. મુનિશ્રી અભયસાગરજી મહારાજના માર્ગદર્શન હેઠળ આ મૂર્તિ જૈન શ્રીસંઘને પાછી મળે તે માટે અદાલતમાં કેસો કરવામાં આવ્યા હતા. ૧૮ વર્ષના કાનૂની યુદ્ધ પછી આ ચમત્કારિક મૂર્તિનો કબજો જૈનોને મળ્યો તે પછી નવાં ભવ્ય મંદિરનું નિર્માણ કરીને ભગવાનને ત્યાં પધરાવવામાં આવ્યા હતાં.

મુનિશ્રી અભયસાગરજી મહારાજની ખ્યાતિ જૈન અને જૈનેતર પ્રજામાં મહામાંગલિક શ્રી નવકાર મંત્રના ચમત્કારિક આરાધક તરીકે છે. પૂજ્ય અધ્યાત્મયોગી પંન્યાસશ્રી ભદ્રંકરવિજયજી મહારાજની પ્રેરણા આપીને મુનિશ્રી અભયસાગરજીએ નવકાર મંત્રની સાધના શરૃ કરી હતી. તેઓ જેમ જેમ આ સાધનામાં ઊંડા ઊતરતા ગયા તેમ તેમને અલૌકિક અને દૈવી અનુભવો થવા લાગ્યા. આ ચમત્કારોની વાતો તેઓ ભાગ્યે જ કોઇને કરતા, પણ તેમના જીવનમાં બનેલી અમુક ઘટનાઓ ઉપરથી નવકાર મંત્રના પ્રભાવથી તેમનામાં પેદા થયેલી અલૌકિક શક્તિઓનો ખ્યાલ આવતો હતો.

જૈન શાસ્ત્રોમાં લખવામાં આવ્યું છે કે જો શ્રી નવકાર મંત્રનો શ્રદ્ધાપૂર્વક પાઠ કરવામાં આવે તો તેનાથી શરીરના અસાધ્ય રોગો પણ દૂર થાય છે. આ વિધાન મુનિશ્રી અભયસાગરજીએ સાબિત કરી આપ્યું હતું. એક વખત તેઓ અમદાવાદના નવા વાડજ ખાતે વીરનગર સોસાયટીમાં બિરાજમાન હતા ત્યાં અચાનક તેમને હૃદયરોગનો પ્રચંડ હુમલો આવ્યો. શ્રાવકોએ અમદાવાદના જૈન હાર્ટ સ્પેશિયાલ્સિટ ડૉ. સુરેશ ઝવેરીને સારવાર માટે બોલાવી લીધા. ડૉક્ટર સાહેબે મુનિશ્રીને તપાસીને અભિપ્રાય આપ્ય કે સાહેબજીને તાત્કાલિક દાખલ કરવા પડશે. અર્ધભાનમાં રહેલા મુનિશ્રીએ ઇશારા વડે ડૉક્ટર સાહેબને સમજાવ્યું કે તેઓ હોસ્પિટલમાં જવા માંગતા નથી. મુનિશ્રી શ્રી નવકાર મંત્રના જાપમાં બેસી ગયા અને અડધા કલાકમાં ચમત્કાર થયો. ડૉક્ટરે પોર્ટેબલ યંત્ર વડે કાર્ડિયોગ્રામ કાઢ્યો તો તે નોર્મલ હતો. થોડા સમયમાં તો મુનિશ્રી એટલા સ્વસ્થ થઈ ગયા કે પગપાળા વિહાર કરીને પાલીતાણા પહોંચ્યા અને ડુંગર ચડીને આદીશ્વર દાદાના દર્શન પણ કર્યા. આ રીતે પંન્યાસશ્રી અભયસાગરજી મહારાજને આઠ વખત હૃદયરોગના હુમલાઓ આવ્યા હતા અને દરેક વખત તેઓ નવકાર મંત્રનો જાપ કરીને સાજા થયા હતાં. પંન્યાસશ્રી અભયસાગરજી મહારાજ એક વખત નાગપુરની કોઈ સ્કૂલમાં પ્રવચન આપવા ગયા ત્યારે તેમને વિદ્યાર્થીઓ પાસેથી જાણવા મળ્યું કે સ્કૂલમાં એવું ભણાવવામાં આવે છે કે પૃથ્વી દડા જેવી ગોળ છે અને સૂર્યની આજુબાજુ ફરે છે. વિજ્ઞાાનની આ માન્યતાને કારણે આધુનિક શિક્ષણ લેનારા વિદ્યાર્થીઓ સ્વર્ગ-નર્કમાં અને પાપ-પુણ્યમાં માનતા નથી એવું પંન્યાસશ્રી અભયસાગરજી મહારાજને લાગ્યું. એટલે તેમણે જૈન ભૂગોળની માન્યતાઓની વૈજ્ઞાાનિક ઢબે પુષ્ટિ કરવા આધુનિક ભૂગોળ-ખગોળના ગ્રંથનો અભ્યાસ શરૃ કર્યો. આ બાબતમાં તેઓ જેમ જેમ ઊંડા ઉતરતા ગયા તેમ તેમને સમજાયું કે આ વિષયમાં જૈન ધર્મ સહિતના દુનિયાના તમામ ધર્મોની જે માન્યતા છે તે સાચી છે અને આધુનિક વિજ્ઞાાનની માન્યતા ભૂલભરેલી છે. આ બાબતમાં તેમણે પશ્ચિમના અનેક વિજ્ઞાાનીઓ સાથે પત્રવ્યવહાર પણ કર્યો હતો.

જૈન શાસ્ત્રોમાં ભૂગોળ બાબતમાં જે માન્યતા છે તે સહેલાઇથી લોકોના ગળે ઉતારી શકાય તેવી નથી. આ વાતો મોડેલના માધ્યમથી લોકોને સમજાવવા પંન્યાસશ્રી અભયસાગરજી મહારાજે વિ.સ. ૨૦૨૨માં કપડવંજ ખાતે જૈન ધર્મ મુજબની દુનિયાનું ૧૯૦ ઇંચનું મોડેલ બનાવીને લોકોના નિરીક્ષણ માટે મૂક્યું હતું. આ મોડેલ દ્વારા તેમણે દિવસ-રાત, ઋતુઓ, સૂર્ય-ચન્દ્રગ્રહણો વગેરે કેવી રીતે થાય છે તે સમજાવ્યું હતું. ગુજરાત સમાચાર અખબારના માલિક સ્વ. શાંતિભાઈ શાહ અને વિખ્યાત સાહિત્યકાર 'જયભિખ્ખુ' પણ આ મોડેલ જોવા કપડવંજ ગયા હતા અને તેમણે પંન્યાસશ્રી અભયસાગરજી મહારાજના વિજ્ઞાાનના તલસ્પર્શી જ્ઞાાનની મુક્તકંઠે પ્રશંસા કરી હતી. કપડવંજના આ પ્રદર્શનને મળેલા આ પ્રતિસાદથી પ્રેરાઇને પંન્યાસશ્રી અભયસાગરજી મહારાજે પાલીતાણામાં જંબુદ્વીપ સાયન્સ રિસર્ચ સેન્ટરની સ્થાપના કરી હતી. આજે દેશવિદેશના લાખો જૈનો દર વર્ષે જંબૂદ્વીપની મુલાકાતે આવે છે અને જૈન ભૂગોળના વિજ્ઞાાનનો પરિચય મેળવે છે.

પંન્યાસશ્રી અભયસાગરજી મહારાજના વિજ્ઞાાન બાબતના અગાધ જ્ઞાાનથી પ્રભાવિત થઈને ભારતના અવ્વલ વિજ્ઞાાની વિક્રમ સારાભાઈ પણ તેમનાથી પ્રભાવિત થયા હતા અને તેમની સાથે પત્રવ્યવહાર કરતા હતા. વિક્રમ સારાભાઈ પૂજ્યશ્રીને મળીને તેમની પાસેથી જૈન ધર્મના વિજ્ઞાાનના રહસ્યો સમજવા ઉત્સુક હતા, પણ તે પહેલાં જ તેમનું અકાળે અવસાન થયું હતું. અમેરિકામાં ચાલતી 'ફલેટ અર્થ સોસાયટી'એ તો પૂજ્યશ્રીને માનદ સભ્ય બનાવ્યા હતા અને અમેરિકા આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું. જોકે પંન્યાસશ્રી અભયસાગરજી મહારાજે જૈન સાધુના વ્રતોની મર્યાદા ટાંકીને આ આમંત્રણ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો પણ પત્રવ્યવહાર ચાલુ જ રાખ્યો હતો.

અમેરિકાએ જ્યારે એપોલો યાનને ચન્દ્ર ઉપર મોકલવાનો દાવો કર્યો ત્યારે પંન્યાસશ્રી અભયસાગરજી મહારાજે આ દાવાને પડકારતાં 'નાસા' સંસ્થા સાથે લાંબો પત્રવ્યવહાર કર્યો હતો. તેને પરિણામે 'નાસા'એ ભારતના ખગોળશાસ્ત્રી તરીકે પંન્યાસશ્રી અભયસાગરજી મહારાજને નવાજ્યા હતા.

પંન્યાસશ્રી અભયસાગરજી મહારાજની વિદ્વતાથી પ્રભાવિત થઈને વોશિંગ્ટન, કોલકાતા, દિલ્હી, અમદાવાદ અને મુંબઈ અનેક સંસ્થાઓ દ્વારા તેમને અડધો ડઝનથી વધુ માનવ પદવીઓ એનાયત કરવામાં આવી હતી. વિશ્વના લાખો જૈનોની શ્રદ્ધાનું કેન્દ્રસ્થાન બનેલા પંન્યાસશ્રી અભયસાગરજી મહારાજ જૈન ખગોળવિજ્ઞાાની અને આત્મજ્ઞાાની તરીકે આજે પણ પૂજાય છે.

Article Source: Gujarat Samachar www.Gujaratsamachar.com

No comments:

Post a Comment